Grey Hornbill in Anand |
આણંદમાં અમૂલ ડેરી રોડ પર આવેલા એક મકાનના એન્ટેના પર વહેલી સવારે છ વાગ્યે ભાગ્યે જ જોવા મળતું એક પક્ષી દેખાતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ પક્ષી ગ્રે હોર્નબિલ એટલે રાખોડી ચિલોતરો હોવાનું વિદ્યાનગર નેચર ક્લબના ધવલભાઈ પટેલે જણાવ્યું હતું.
અમૂલ ડેરી રોડ પર અલગ પ્રકારનું પક્ષી દેખાતાં વિદ્યાનગર નેચર ક્લબના બિમલ પટેલે કેમેરામાં કેદ કરી લીધું હતું. પક્ષી વિશે નેચર ક્લબના ધવલભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘રાખોડી ચિલોતરો ગુજરાતમાં ડાંગ અને જંગલ વિસ્તારમાં જોવા મળે છે. જેની વિશેષતા એવી છે કે ઝાડની બખોલમાં તેઓ માળો બાંધે છે.
પછી માદા માળામાં બેસી જાય એટલે નર માટીથી બખોલ પુરી દે છે. માત્ર આહાર આપી શકાય એટલી જગ્યા રાખવામાં આવે છે. માળામાં માદા પક્ષી ઇંડા સેવે ત્યાં સુધી નર પક્ષી તેને આહાર આપ્યા કરે છે. માળામાં બેઠેલી માદા પક્ષી પોતાના બધા પીછા ખેચને બહાર ફેકી દે છે. જેથી અંદર જગ્યા થતાં બચ્ચાનો ગ્રોથ થઈ શકે.’
આણંદમાં આ પક્ષી દેખવા પાછળનું કારણ જણાવતાં ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘આણંદ જિલ્લાના ધર્મજમાં ચરો છે. જ્યાં આ પક્ષીએ માળો બનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે પક્ષી એકાદ વર્ષનું જ છે. આણંદ જિલ્લામાં છેલ્લાં ૪૦ વર્ષમાં આ પક્ષી પ્રથમવાર જોવા મળ્યું છે.’
Source: Bhaskar News, Anand | Last Updated 3:18 AM [IST](20/09/2011)
No comments:
Post a Comment